ગુજરાતી ફિલ્મના લોકપ્રિય સ્ટાર મલ્હાર ઠાકરનાં લગ્ન કરવા જઈ રહ્યાના સમાચાર ઢોલીવૂડમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. 34 વર્ષના મલ્હાર ઠાકરે પોતાની અભિનય કારકિર્દીમાં અનેક સફળ ગુજરાતી ફિલ્મો આપી છે અને તે હવે લગ્ન માટે તૈયાર છે એવી અટકળો ચાલી રહી છે. મલ્હારના ચાહકો માટે આ ખૂબ જ ઉત્સુકતા ભર્યા સમાચાર છે, જે જાણવા માગે છે કે તે કઈ હીરોઈન સાથે પ્રભૂતામાં પગલાં પાડશે? કે પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહારની કોઇ સુશીલ યુવતીની સાથે લગ્ન કરશે?
ટૂંક સમયમાં લગ્નની જાહેરાત?
આટલી સફળતા પછી, આટલી મોટી ચર્ચા એ છે કે મલ્હાર ટૂંક સમયમાં લગ્ન કરવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર, મલ્હારના લગ્ન માટેની તૈયારીઓ ચાલી રહી છે, જો કે આ વિશે મલ્હારે સત્તાવાર રીતે કઈ પણ જાહેરાત નથી કરી. પરંતુ, એવું માનવામાં આવે છે કે મલ્હાર ટૂંક સમયમાં આ વિષય પર ખુલાસો કરશે.
મલ્હારે વર્ષ 2012માં “છેલ્લો દિવસ” ફિલ્મથી રાતોરાત લોકપ્રિયતા મેળવી. તે પછી, તેમણે પોતાની કારકિર્દીમાં અનેક હિટ ફિલ્મો આપીને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. ગુજરાતી સિનેમામાં મલ્હારના નામે અત્યાર સુધીની કેટલીક લોકપ્રિય ફિલ્મો છે જેમ કે, “થઈ જશે,” “પાસપોર્ટ,” “લવની ભવાઈ,” અને “સાહેબ.” આ ફિલ્મોએ મલ્હારને એક અલગ ઓળખ આપીને શ્રેષ્ઠ અભિનેતાઓની શ્રેણીમાં રાખ્યો છે.
ફિલ્મી કારકિર્દીમાં મલ્હારની “લોચા લાપ્સી” નામની ફિલ્મ 20 સપ્ટેમ્બર 2024ના રિલીઝ થઈ છે, જેમાં તેની અભિનયને ફરી એકવાર વખાણ મળ્યા છે. હાલ મલ્હાર ડિરેક્ટર સંદીપ પટેલના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.
મલ્હાર ઠાકરની સફળતામાં ફિલ્મ “છેલ્લો દિવસ” અને “ત્રણ એક્કા” ફિલ્મમાં મલ્હારે યશ સોની અને મિત્ર ગઢવી સાથે કામ કરી ભારે સફળતા મેળવી હતી. અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 26.11 કરોડ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો હતો.





