અલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ‘જિગ્રા’એ પહેલાં અઠવાડિયે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ પર્ફોમ કર્યું નથી, જેનાથી પ્રોડ્યુસર્સમાં ચિંતાઓ ઊભી થઇ છે. આલિયાની હિટ ફિલ્મ ‘હાઈવે’ની તુલનામાં ‘જિગ્રા’ ખાસ્સી નિરાશાજનક સાબિત થઇ છે.
મંગળવાર સુધી ‘જિગ્રા’નો બોક્સ ઓફિસ રેકોર્ડ 1.6 કરોડ રૂપિયાની કમાણીનો રહ્યો છે, જે સોમવારનાં કલેક્શનની સરખામણીમાં કોઇ ઝાઝો ફેર નોંધાયો નથી. જો કે ‘જિગ્રા’ હાલ બોક્સ ઓફિસ પર થોડી સ્થિરતા પ્રાપ્ત કરી રહી છે, પરંતુ લાંબા ગાળે આ ફિલ્મ નિષ્ફળ થવાની શક્યતાઓ છે. અત્યાર સુધીમાં ‘જિગ્રા’એ કુલ 19.85 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે, જેમાં તેલુગુ વર્ઝન પણ શામેલ છે. છતાં તેલુગુ ઉદ્યોગના મોટા નામો દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને તેલુગુ ગીત પણ શામેલ કરવામાં હતું, આ ફિલ્મ આ વિસ્તારમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.
તુલનાત્મક રીતે, ‘જિગ્રા’એ 4.55 કરોડ રૂપિયાની શરૂઆત કરી હતી, જે અલિયાની 2014ની ફિલ્મ ‘હાઈવે’ની શરૂઆત 3.4 કરોડ રૂપિયાથી થોડું સારું હતું. પરંતુ પાંચ દિવસ પછી, ‘હાઈવે’એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવાનું શરૂ કર્યું હતું અને 18.24 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. પાંચમા દિવસે, ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત ‘હાઈવે’એ 2 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે ‘જિગ્રા’ના પાંચમા દિવસના આંકડા કરતાં વધુ છે.
‘જિગ્રા’ માટે પ્રેક્ષકોનો મિક્સ પ્રતિસાદ મળ્યો હોવા છતાં, લોકો આશા રાખી રહ્યાં છે કે આ મહિને કોઈ મોટી રિલીઝ ન હોઇ, ફિલ્મ બોક્સ ઓફિસ પર થોડો વધારે સમય ટકી રહે. ‘જિગ્રા’ની સાથે રિલીઝ થયેલી રાજકુમાર રાવ અને ત્રિપ્તિ ડિમ્રી અભિનીત ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી નથી. બંને ફિલ્મો પાસે દિવાળી રિલીઝ પહેલાંના 15 દિવસનો સમય છે, જેથી તેમની લાઈફટાઈમ કમાણીમાં વધારો થઇ શકે તેમ છે, કેમ કે દિવાળી દરમિયાન ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભુલૈયા 3’ જેવી મોટી ફિલ્મો રિલીઝ થશે.





