
દરેક નાના શહેરોનાં અભિનેતા કે અભિનેત્રીનું સપનું હોય કે તે મુંબઇ જાય અને ફિલ્મોમાં કામ કરે પણ મુંબઇની માયાનગરીમાં દરેક પોતાનું સ્થાન બનાવી શકે તે દરેક વખતે શક્ય બનતું નથી. સો માંથી એક એક્ટરને તેનાં કામની ખ્યાતિ પ્રાપ્ત અથાગ પરિશ્રમ પછી મળતી હોય છે. આવા જ એક મહેનતું વડોદરાનાં ગુજરાતી અભિનેતા હર્ષ વ્યાસનો ચહેરો કલર્સ ગુજરાતી પર પ્રસારિત શ્યામ ધૂન લાગી રેનાં નારદ મુનિનાં પાત્રથી પ્રચલિત થયો છે. હર્ષે બીએસીનાં અભ્યાસને એક બીમારીનાં લીધે પડતો મૂકી અભિનયને કાયમ માટે અપનાવી લીધી. તેમનાં અભિનયની જર્ની શરૂ થઇ મુંબઇની અનુપમ ખેર ઇન્સ્ટિટ્યુટમાંથી અભિનયનો અભ્યાસ કરવાથી.
પોતાના અભિનય માટેનાં પેશન વિશેની વાત કરતાં હર્ષે જણાવ્યું કે, મેં જ્યારે બીએસસીનો અભ્યાસ અધૂરો મૂક્યો ત્યારપછી મેં નક્કી કર્યું કે મારે અભિનય ક્ષેત્રે આગળ વધવું છે અને મને તેમાં મારા પપ્પાએ ખૂબ સપોર્ટ કર્યો. તે મારી સાથે મુંબઇ આવ્યાં અને જાતે અનુપમ ખેરને મળ્યાં ત્યારે તેમને ભરોસો આવ્યો કે હું સારી રીતે આગળ વધી શકીશ. ત્યાં અભ્યાસ કર્યાં પછી મેં ઓડિશન્સ આપવાનું શરૂ કર્યું હતું અને મને લગભગ 10 જ દિવસમાં સરકારની પાણી બચાવોની એડ ફિલ્મમાં મને કામ મળ્યું, બસ ત્યાર પછી ધીમે-ધીમે મુંબઇનાં જીવનમાં અને અભિનય ક્ષેત્રે હું ગોઠવાતો ગયો અને મેં 70થી વધુ એડ ફિલ્મોમાં, ઓલ્ટ બાલાજીની મનફોડગંજ કી બિન્નીમાં અને અનેક ટીવી સિરીયલ્સમાં કામ કર્યું. આ દરમિયાન મેં શશી-સુમિત પ્રોડક્શન હાઉસમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ 3-4 વર્ષ કામ કર્યું. ત્યારપછી જ્યારે મેં ટીવીએફ દ્વારા પ્રોડ્યુસ કરેલી વોટ ધ ફોક્સ વેબ શો કર્યો ત્યારે ધીમે-ધીમે મને બધાં ઓળખવા લાગ્યાં અને જાહેરમાં લોકો મારી સાથે ફોટોઝ પણ લેતાં થયાં.

બોક્સ – અમિતાભ બચ્ચન સર સાથે કામ કર્યું તે સૌથી યાદગાર મોમેન્ટ છે
અત્યાર સુધી મેં ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું અને એડ ફિલ્મ્સમાં કામ કર્યું પણ જ્યારે ટીવીએસ જ્યુપીટરની અમિતાભ બચ્ચન સર સાથે કામ કર્યું ત્યારે મારા આખા પરિવારમાં એક આનંદની લહેર ફેલાઇ ગઇ હતી. આ એડ ફિલ્મનું કાસ્ટિંગ મુકેશ છાબરાએ કર્યું હતું અને હંસલ મહેતાએ તેનું ડિરેક્શન કર્યું હતું. આ એડ માટે લગભગ 700-800 લોકોએ ઓડિશન આપ્યું હતું પણ મને કોન્ફિડેન્સ હતો કે હું જ સિલેક્ટ થઇશ. જ્યારે મેં ઓડિશન આપ્યું તેનાં એક જ કલાકમાં મને ફાઇનલ કોલ આવ્યો હતો.
હું જ્યારે તેમને પહેલીવાર સેટ પર મળ્યો ત્યારે મેં જોયું કે તેમની એનર્જી યુવાઓને હંફાવે તેવી છે. તે સેટ પર બધાં સાથે વાત કરે છે, બધાં સાથે મિત્રની જેમ ઇન્વોલ્વ થાય છે. સેટ પરનો આખો માહોલ તેમનાં હોવાથી ખુશખુશાલ થઇ જાય છે.
બોક્સ – સ્પર્ધાત્મક ક્ષેત્રમાં ટકી રહેવાં હું સતત અભિનયની પ્રેક્ટિસ કરતો રહું છું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્પર્ધાત્મક છે, અને આશાવાદી રહીને મહેનત કરવી પણ ઘણીવાર નિરાશાજનક બની જાય છે. ઘણી વાર એવું પણ થાય છે કે હાથમાં આવેલો પ્રોજેક્ટ બંધ થઇ જાય કે પછી તે રોલમાં પ્રોડક્શન હાઉસ બીજા અભિનેતાને કાસ્ટ કરી દે છે. ત્યારે હું માત્ર મારી મહેનત પર જ ફોકસ કરું છું. હું જુદા-જુદા રોલ્સને રોજ્જે મારી રીતે ભજવીને પ્રેક્ટિસ કરતો રહું છું. મારા દરેક રોલ્સને ફરી-ફરીને જોઉં અને તેમાંથી મારી નબળાઇઓ શોધીને તેને ફરીથી સુધારવાનો પ્રયત્ન કરતો રહું છું અને હંમેશા હકારાત્મક અભિગમ રાખું છું.





