Shah Rukh Khan’s King set photo leaks online; SRK’s bloodied action look grabs attention: શાહરૂખ ખાનની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘કિંગ’ (King) તેના રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જોકે મેકર્સે આ ફિલ્મને લઈને બધી વિગતો ખૂબ જ સિક્રેટ રાખી છે, તેમ છતાં સેટ પરથી લીક થયેલી વધુ એક તસવીરે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં સુપરસ્ટારનો રફ એન્ડ ટફ એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. રેડિટ (Reddit) અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલી આ નવી તસવીર કોઈ મુખ્ય એક્શન સીન દરમિયાનની લાગી રહી છે. જોકે આ લીક થયેલા ફોટોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, છતાં શાહરૂખના ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. India.comના એક અહેવાલમાં આમ જણાવાયું હતું.
વાયરલ તસવીરમાં શાહરૂખ ખાન એક વેરહાઉસ અથવા ફેક્ટરી જેવા લોકેશનમાં જોવા મળે છે, જ્યાં ભારે ફાઈટ સીન શૂટ થયો હોય તેમ લાગે છે. ઓલ-બ્લેક ડ્રેસિંગ, ખુલ્લા બટનવાળો શર્ટ, લાંબા વિખરાયેલા વાળ, દાઢી અને ચહેરા તેમજ હાથ પર વાગેલા નિશાનો તેમના લુકને વધુ તીવ્ર બનાવે છે. ચહેરા અને શરીર પર કૃત્રિમ લોહીના દાગ પણ દેખાઈ રહ્યા છે.
તેમના એક હાથમાં લોખંડનો સળિયો (મેટલ રોડ) છે અને જમીન પર કેટલાક લોકો પડેલા દેખાય છે, જે એક ભયાનક લડાઈનો સંકેત આપે છે. બેકગ્રાઉન્ડમાં ધુમાડો અને કેમેરા ક્રુના સભ્યો તથા ક્રેન પણ જોવા મળી રહ્યા છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ ફોટો શૂટિંગ દરમિયાન જ લેવામાં આવ્યો છે.
‘કિંગ’ના સેટ પરથી તસવીર વાયરલ થઈ હોય તેવો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં મે મહિનામાં પણ શાહરૂખ ખાનનો એક લીક થયેલો લુક વાયરલ થયો હતો, જેમાં તેમના ચહેરા પર ઈજાના નિશાન હતા અને પાછળ વાહનો ઊભેલા દેખાતા હતા, જેના પરથી હાઈ-સ્પીડ ચેઝ સીનની અટકળો વહેતી થઈ હતી.
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કિંગ’ આ વર્ષની સૌથી ચર્ચિત બોલિવૂડ ફિલ્મોમાંથી એક છે. રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મમાં શાહરૂખ ખાન ડાર્ક અને એક્શનથી ભરપૂર રોલમાં જોવા મળશે.
આ ફિલ્મ દ્વારા શાહરૂખની પુત્રી સુહાના ખાન પણ મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં અભિષેક બચ્ચન, દીપિકા પદુકોણ, રાની મુખર્જી, અનિલ કપૂર, જયદીપ અહલાવત, અરશદ વારસી, અભય વર્મા જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માર્ફલિક્સ પિક્ચર્સના બેનર હેઠળ બની રહેલી ‘કિંગ’ 24 ડિસેમ્બર, 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની શક્યતા છે.





