કરણ જોહરની જાણીતી ફિલ્મ કભી ખુશી કભી ગમ ફિલ્મમાં રોબીનાં પાત્ર અને ટીવી જગતમાં ઘણી જાણીતી સિરિયલ્સ જેમકે ક્યોકી સાસ ભી કભી બહૂ થી અને કહીન તો હોગાથી ખાસ્સી પ્રસિદ્ધિ મેળવેલાં જાણીતાં એક્ટર વિકાસ સેઠીનું 48 વર્ષે કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે. ત્યારે મિડીયા સાથેની વાતચીતમાં તેમનાં પત્ની જાનવી સેઠીએ જણાવ્યું કે વિકાસની અંતિમ ઘડીમાં તેમને બેચેની લાગી રહી હતી અને તેઓ સતત હોસ્પિટલ જવાની વાતને ટાળતાં હતાં. તેમણે જણાવ્યું કે તેઓ એક ફેમિલીનાં પ્રસંગમાં હાજરી આપવા માટે મુંબઇથી નાસિક ગયા હતાં તે દરમિયાન તેમને ડિહાયડ્રેશન થયું હતું.
જાનવી સેઠીએ પીટીઆઇને વધુમાં જણાવ્યું કે, અમે મારા મમ્મીનાં ઘરે રોકાયાં હતાં, ત્યારે વિકાસને ઉલ્ટી, લૂઝ મોશન થયાં હતાં. તેને ડોક્ટર પાસે જવાની મનાઇ ફરમાવી, જેથી અમે ડોક્ટરને ઘરે બોલાવ્યાં હતાં. સવારે જ્યારે હું તેમને ઉઠાડવા ગઇ ત્યારે તે ઉઠ્યાં ન હતાં અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. ડોક્ટરે જણાવ્યું કે, વિકાસ તેમની નિંદ્રામાં જ કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યું પામ્યાં હતાં.
વિકાસનાં મૃત્યુથી ન માત્ર તેમનાં પત્ની જાનવી અને બે જોડકી દિકરીઓ શોકમગ્ન થઇ ગયાં છે, પણ તેમની સાથે ભારતીય ટેલિ ઇન્ડસ્ટ્રી પણ ઊંડો આઘાત લાગ્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી વિકાસનું વજન વધી જવાથી તેમને ઓળખી શકવું પણ મુશ્કેલ હતું. કહેવાય છે કે તેમને કેટલાંક સમયથી ડિપ્રેશન પણ હતું અને તેમને આર્થિક સમસ્યા પણ હતી. જો કે થોડા સમય પહેલાં વિકાસે નિર્માતા તરીકે પોતાનું પ્રોડક્શન હાઉસ સીકે પિક્ચર્સ પણ શરૂ કર્યું હતું.
વિકાસની સોશિયલ મિડીયા પોસ્ટ્સમાંથી જાણી શકાય છે કે તેઓ ફન લવિંગ વ્યક્તિ હતાં, જે તેમની પત્ની સાથે ફની રીલ્સ પણ બનાવતાં હતાં. છેલ્લી સોશિયલ મિડીયા પોસ્ટ તેમની માતા સાથેનો મધર્સ ડેની ઉજવણીનો ફોટો જોવા મળ્યો હતો.
વિકાસ માય ઝિંદગી ફાઉન્ડેશન કે જે મેન્ટલ હેલ્થ માટે કામ કરે છે તે સાથે પણ જોડાયેલાં હતાં. આ ફાઉન્ડેશનની શરૂઆત તેમનાં પત્ની જાનવી સેઠી દ્વારા કરવામાં આવી હતી.





