ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એલિજિબલ બેચલર અને સુપરસ્ટાર કલાકાર મલ્હાર ઠાકરના લગ્નની શરણાઈઓ વાગશે. મલ્હાર હવે લગ્નના બંધનમાં બંધાશે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મ વર્ગમાં વાત ચર્ચાતી હતી કે મલ્હાર ઠાકર ટૂંક સમયમાં જ લગ્ન કરવાનો છે. તેમનાં લગ્નની અફવાઓ પણ ફેલાઈ હતી કે તે ગુજરાતી એક્ટ્રેસ પૂજા જોશી સાથે તે લગ્ન કરવાનો છે. હવે ફાઇનલી મલ્હાર અને એક્ટ્રેસ પૂજા જોષીએ અધિકૃત રીતે આની જાહેરાત કરી દીધી છે અને તેઓ મેરેજ કરશે. આ અંગે મલ્હાર ઠાકરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જાણકારી આપી હતી. અગાઉ મલ્હાર કોની સાથે મેરેજ કરશે તે વાત ચર્ચાનો મુદ્દો હતી. આ અંગે જ્યારે પણ તેને પૂંછવામાં આવતું તો તે આ સવાલને એવોઈડ કરતો આવ્યો હતો. આ સાથે ગુજરાતી એક્ટ્રેસ પૂજા જોષીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું છે કે તે અને મલ્હાર ઠાકર મેરેજ કરશે.
પૂજા જોષી અને મલ્હાર ઠાકર બંનેએ વેબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટુમાં કામ કર્યું છે. તેમાં આ કલાકારોની કેમેસ્ટ્રીના પણ વખાણ થયા હતાં. આ ઉપરાંત તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સીમંત’માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. આ સાથે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગ્ન સ્પેશ્યલ’માં પણ કપલના રોલમાં જોવા મળ્યાં હતાં. મલ્હાર અને પૂજા બંન્ને ફિલ્મોમાં જોવા મળ્યા પછી તેમના સંબંધોની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. હમણાં જ એક ઇન્ટરવ્યૂમાં પૂજા જોષીએ કબુલ્યું હતું કે તે અને મલ્હાર ઠાકર નવેમ્બર મહિનાના અંતમાં લગ્ન કરવાનાં છે. કોરોના વખતે એક્ટ્રેસે મલ્હાર સાથે એક વેબસિરીઝ કરી હતી, ‘વાત વાતમાં’સિરીઝથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યાં અને ‘લગ્ન સ્પેશિયલ’ અને ‘વીર ઈશાનું સીમંત’ફિલ્મમાં પણ મેઈન રોલમાં જોવા મળ્યાં હતાં.





