ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જાહનુ બરુઆ દ્વારા સોમવારે જાહેર કરાયું કે ‘લાપતા લેડિઝ’ ફિલ્મને વિદેશી ફિલ્મ કેટેગરીનાં અંતર્ગત ભારતની સત્તાવાર એન્ટ્રી છે. આ ફિલ્મની પસંદગી 12 હિન્દી ફિલ્મો, 6 તમિલ અને 4 મલયાલમ ફિલ્મોના અખિલ ભારતીય નામાંકનમાંથી કરવામાં આવી છે. આ વર્ષે જ્યુરીનું નેતૃત્વ 13 સભ્યોએ કર્યું છે. આ ફિલ્મ એનિમલ, કિલ, કલ્કી 2898 એડી, શ્રીકાંત, ચંદુ ચેમ્પિયન, જોરામ, મૈદાન, સેમ બહાદુર, આર્ટિકલ 370, મલયાલમ ફિલ્મ અટ્ટમ જેવી 29 ફિલ્મોની સાથે સ્પર્ધા કરી રહી હતી, આ ઉપરાંત આ વર્ષની બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ જીતનાર તેમજ કાન્સ વિનર પાયલ કાપડિયાની ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ પણ સ્પર્ધામાં હતી. લાપતા લેડિઝનું દિગ્દર્શન કિરણ રાવે કર્યું છે, તેમજ પ્રોડક્શન આમિર ખાન, કિરણ રાવ અને જ્યોતિ દેશપાંડેએ કર્યું છે. આ ફિલ્મમાં નિતેશી ગોયલ, પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ, છાયા કદમ, રવિ કિશન જોવા મળ્યાં હતાં.
આ ફિલ્મ બિપ્લબ ગોસ્વામીની એક એવોર્ડ વિનિંગ સ્ટોરી પર આધારિત છે. જેની પટકથા અને સંવાદ સ્નેહા દેસાઇએ લખ્યાં છે, જ્યારે દિવ્યાનિધિ શર્માએ વધારાનાં સંવાદો લખ્યાં હતાં. પ્રતિષ્ઠિત એવા ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ટીઆઇએફએફ)માં લાપતા લેડિઝનું સ્ક્રીનિંગ ગયા વર્ષે થયું હતું. આ ફિલ્મ 1લી માર્ચે ભારતના થિયેટરોમાં રિલીઝ થઇ હતી. વિવેચકો અને પ્રેક્ષકો દ્વારા આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ ઝાઝી સફળતા ન મેળવી શક્યાં છતાંય નેટફ્લિક્સ પર રજૂ થયા પછી તેનો ફેનબેઝ મોટી સંખ્યામાં બની ગયો.
કિરણ રાવે આ મહિનાની શરૂઆતમાં પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનો એક સ્નિપેટ શેર કર્યો હતો અને તેણે તેને કેપ્શન આપ્યું હતું કે “લાપતા લેડિઝ 4 ઓક્ટોબર, 2024થી જાપાનમાં જેવા મળશે. અમે જાપાનના શોચિકુ – એરિગાતો ગોઝાઇમાસુ દ્વારા જાપાનમાં અમારી થિયેટર રિલીઝ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.” આ ફિલ્મ પુરુષપ્રધાન માનસિકતાની વચ્ચે મહિલાઓની આકાંક્ષાઓ અને સપનાઓની પસંદગીઓનાં વલણને અપનાવવાની વાત કરે છે.
આ ફિલ્મની વિવેચકોએ દિલ ખોલીને સકારાત્મક સમીક્ષા કરી છે. એનડીટીવીનાં ફિલ્મ વિવેચક સાયબલ ચેટર્જીએ પોતાની સમીક્ષામાં લાપતા લેડીઝને 5માથી 3.5 સ્ટાર આપ્યા હતાં અને તેમણે લખ્યું હતું કે બિપ્લબ ગોસ્વામીની વાર્તામાંથી સ્નેહા દેસાઇ દ્વારા લખાયેલી આ ફિલ્મ એક સામાજિક વ્યંગ છે જેમાં એક નારીવાદી તર્કનો સમાવેશ કરાયો છે. આ ફિલ્મમાં સ્ત્રીલક્ષી મહિલાઓનાં અધિકારોનાં વજનદાર મુદ્દાઓને હળવેથી કહી જાય છે.





