આ શુક્રવારે થિયેટર્સમાં રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ “હાહાકાર”ની સ્ટારકાસ્ટ હેમાંગ શાહ, મયુર ચૌહાન (માઇકલ) અને ફિલ્મનાં ડિરેક્ટર પ્રતિક ચાવડાએ ઇટ્સમજ્જા ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં ફિલ્મ માટે તેઓ ખાસ્સા ઉત્સાહી જણાયા હતા. ફિલ્મની જોર-શોરથી રિલિઝ શુક્રવારે થઇ અને પ્રેક્ષકોનાં હકારાત્મક રિવ્યૂઝ આવ્યાં છે.
મયુર ચૌહાણે તેમની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું હંમેશા મારી ફિલ્મોને લઇને ન્યૂટ્રલ રહ્યો છું. હંમેશા રિલિઝ પહેલાં મારો અભિગમ પ્રેક્ટિકલ હોય છે, જેથી ફિલ્મ કેવું પર્ફોમ કરશે તે માટે હું વધુ પડતી આશા બાંધીને બેસતો નથી. તે છતાંય આ ફિલ્મમાં અમે જીવ રેડીને મહેનત કરી છે અને ફિલ્મની વાર્તા અત્યંત મઝાની છે, તેથી મને લાગે છે કે આ ફિલ્મ ખરેખર પ્રેક્ષકોને ગમશે.

વધુમાં મયુરે જણાવ્યું કે, ગુજરાતી ફિલ્મોની સરખામણી હોલિવુડ અને બોલિવુડ સાથે કરવામાં આવે છે, જે બિલ્કુલ યોગ્ય નથી. કારણ કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં રિસોર્સિસ અને બજેટ્સ બોલિવુડ કે હોલિવુડની સરખામણીએ હજુ પહોચ્યાં નથી, જેથી આ સરખામણી યોગ્ય નથી.

હેમાંગ શાહે તેમની ફિલ્મનાં અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે, મને વાર્તા સાંભળતા જ ગમી ગઇ હતી. ફિલ્મ લોકોને ગમશે કે નહીં તે પહેલો ડ્રાફ્ટ વાંચ્યો ત્યારથી જ મને ગમી ગઇ હતી, જેથી મેં આ ફિલ્મ કરવાની તરત જ હા પાડી હતી. ફિલ્મ હિટ જશે કે ફ્લોપ તેની હું ચિંતા કરતો નથી, કારણ કે હું દરેક પ્રોજેક્ટ પૂરો થાય પછી તરત જ તેનાથી ડિટેચ થઇ જતો હોઉં છું અને મારું સંપૂર્ણ ફોકસ મારી નવી ફિલ્મ પર કેન્દ્રિત થઇ જાય છે.





