શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર તેની સોળે કળાએ ખીલતો જોવા મળે છે, તેનું હિંદુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર ચંદ્ર આ દિવસે તેની સંપૂર્ણ સુંદરતાના દર્શન આપે છે. શાસ્ત્રોમાં એમ પણ ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે શરદ પૂર્ણિમાનાં દિવસે વજ્રમાં રાસલીલા રચી હતી અને જેથી જ તેને “રાસ પૂર્ણિમા” પણ કહેવાય છે. આ દિવસે ગરબા રમવાની પ્રાચીન પરંપરા છે, જે ખાસ કરીને માતાજીના પૂજન અને નૃત્ય બંને સાથે સંકળાયેલી છે.

નવરાત્રિનાં દસ દિવસનાં ગરબા પછી શરદ પૂર્ણિમાએ થતાં માતાજીનાં ગરબા પછી માતાજીની સંપૂર્ણ આરાધના પૂર્ણ થાય છે. તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે શરદ પૂર્ણિમાએ ખેલૈયાઓ મન મૂકીને ગરબાનાં નૃત્યમાં લીન થાય છે.

આ ઉપરાંત શરદ પૂર્ણિમાનાં ચંદ્રમા વિશે માન્યતા છે કે આ રાત્રે ચંદ્રના કિરણોમાં અદ્દભૂત શક્તિઓ સમાયેલી છે જેનાથી શરીરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જે માટે જ આ દિવસે દૂધ-પાક બનાવીને ખાસ ચંદ્રનાં કિરણોમાં તેને મૂકીને તેને જમવાથી આખુ વર્ષ શરીરમાં આરોગ્યવર્ધક ગુણોનો પ્રભાવ પડે છે.

શરદ પૂર્ણિમાએ શ્રદ્ધા, ભક્તિ, આરોગ્ય અને આનંદનો તહેવાર છે. આ દિવસે ગરબા રમવાની પરંપરા દ્વારા ભક્તો માતાજીની કૃપા મેળવે છે અને આનંદથી ભરેલી ચાંદની રાત્રિમાં શારીરિક અને માનસિક શાંતિ પ્રાપ્ત કરે છે.





