લિયામ પેઇન ડેથઃ હોલિવૂડના સ્ટાર સિંગર અને બોયબેન્ડ વન ડાયરેક્શનના પૂર્વ સભ્ય લિયામ પેયનનું અવસાન થયું છે. આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સમાં હોટલના રૂમની બારીમાંથી પડી જવાથી તેમનું મોત થયું હતું. 31 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. ગાયકના અચાનક નિધનથી ચાહકોને આંચકો લાગ્યો છે. બ્યુનોસ આયર્સ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આર્જેન્ટિનાની રાજધાનીના ટ્રેન્ડી પાલેર્મો વિસ્તારમાં આવેલી કાસા સુર હોટેલના ત્રીજા માળેથી લિયામ નીચે પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ડોક્ટરોએ પુષ્ટિ કરી હતી કે, તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે તેમને પાલેર્મો, કેપિટોલની એક હોટલમાંથી ડ્રગ્સ અને દારૂના નશામાં એક વ્યક્તિ વિશે ફોન આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હોટલના મેનેજરે કહ્યું કે તેણે હોટલની પાછળથી જોરદાર અવાજ સાંભળ્યો અને જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો તેમણે એક વ્યક્તિને તેના રૂમની બાલ્કનીમાં પડેલો જોયો. ઇમરજન્સી વર્કર્સે 31 વર્ષીય બ્રિટિશ સિંગરના મોતની પુષ્ટિ કરી હતી.
એમટીવીએ એક પોસ્ટમાં ગાયકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. પેયનના રેકોર્ડ લેબલ રિપબ્લિક રેકોર્ડ્સ અથવા તેના માલિક યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપની ટિપ્પણી માટે તાત્કાલિક સંપર્ક કરી શકાયો ન હતો.પેયને પોપ બેન્ડ વન ડાયરેક્શનના સભ્ય તરીકે વૈશ્વિક ખ્યાતિ મેળવી હતી, જેમાં હેરી સ્ટાઇલ્સ, ઝેન મલિક, નિયાલ હોરાન અને લુઇસ ટોમલિન્સનનો સમાવેશ થાય છે. આ બેન્ડની રચના ૨૦૧૦ માં એક્સ ફેક્ટર દરમિયાન કરવામાં આવી હતી. જોકે, 2016માં બેન્ડનાં તમામ સભ્યો છૂટા પડવાથી બેન્ડ તૂટી ગયું હતું.





