ગુજરાતી ફિલ્મ હાહાકારનું ટ્રેલર જ્યારથી લોન્ચ થયું છે ત્યારથી ફિલ્મની એક્સાઇટમેન્ટ ગુજરાતી ફિલ્મ લવર્સમાં જોવા મળી જ રહી છે અને લોકો તેનાં રિલિઝની રાહ જોઇ રહ્યાં છે. જો કે ફિલ્મની રિલિઝમાં સેન્સર સર્ટિફિકેશનનાં ડોક્યુમેન્ટેશનમાં અટકી હોવાનાં લીધે અને અતિ વરસાદને ધ્યાનમાં રાખીને તેમાં વિલંબ આવ્યો છે. આ દરમિયાન ફિલ્મનાં નિર્દેશક પ્રતિકસિંહ ચાવડાએ ફિલ્મનાં પ્રોમોશન દરમિયાન ઇટ્સમજ્જા ગુજરાતીની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે ફિલ્મ વિશેનાં અનુભવો શેર કર્યાં હતાં. છેલ્લાં પાંચ વર્ષથી હાહાકારની વાર્તા પર કામ કરતાં અને 14 જેટલાં ડ્રાફ્ટ્સ લખ્યાં પછી આ ફિલ્મ ફાઇનલી ફ્લોર પર પણ ગઇ અને હવે રિલિઝ થવાનાં માત્ર થોડાં દિવસો બાકી છે ત્યારે પ્રતિકનું સપનું પૂરૂં થતું દેખાઇ રહ્યું છે.

પ્રતિકે આ પહેલાં વિસાદ નામની શોર્ટ ફિલ્મ બનાવી હતી, જે માટે તેમને ઇન્ડિયન મિનિસ્ટ્રી તરફથી નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત તેઓએ રેડિયો મિરચીમાં ઇન્ટર્નશીપ કરી હતી. ત્યારબાદ સાડા ચાર વર્ષ માય એફએમમાં પ્રોગ્રામિંગ હેડ તરીકે કામ કર્યું છે. હવે, પ્રતિક નિર્દેશક તરીકે ડેબ્યૂ ફિલ્મ હાહાકારથી ફિલ્મક્ષેત્રે પર્દાપર્ણ કરી રહ્યાં છે.
પ્રતિકે જણાવ્યું હતું કે, હું કોલેજમાં ભણતો ત્યારે એક વખત ટ્રાવેલ કરતી વખતે ટેક્સીમાં પાછળની સીટ પર એક મહિલા જોર જોરથી ફોન પર પોતાની અંગત વાતો કરી રહી હતી, જે મારા માટે ઓકવર્ડ હતું. ત્યારે મને આ આઇડિયા આવ્યો કે, જ્યારે આ રીતે ટ્રાવેલ દરમિયાન લોકો ફોન પર પોતાની અંગત વાતો લોકો સાથે શેર કરતાં હોય અને આ વાત લીક થઇ જાય ત્યારે તેનાં શું પરિણામો આવી શકે, તેવાં વિચાર સાથે મેં આ ફિલ્મ લખવાનું શરૂ કર્યું હતું. ફિલ્મમાં હાહાકારમાં “car” શબ્દ કેમ રાખ્યો છે, તેમ પૂછતાં તેમણે કહ્યું કે, આખી ફિલ્મમાં કારમાં થતું ફન જોવા મળશે, “હાહા” અને “car” નો પ્રાસ બેસાડ્યો છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલની પરિસ્થિતિ વિશે વાત કરતાં પ્રતિકે જણાવ્યું કે, હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિભિન્ન વિષયો પર ફિલ્મો બનવાની શરૂ થઇ ગઇ છે જે ખૂબ હકારાત્મક પરિસ્થિતિ છે. ગુજરાતીમાં કોમેડી ફિલ્મો બની રહી છે અને એવું નથી કે દરેક કોમેડી ફિલ્મો હીટ જ થાય છે, પણ જેનું કન્ટેન્ટ સારું છે તે ફિલ્મો લોકોને ગમી જ છે. જેટલી પણ ફિલ્મો ચાલે છે તેની સ્ક્રિપ્ટમાં ચોક્કસથી દમ છે.
હાહાકાર ફિલ્મની વાર્તા વિશે પ્રતિકે જણાવ્યું કે, આ ફિલ્મમાં ત્રણ મિત્રો કેબ સર્વિસની મદદથી લોકોને લૂંટવાનો પ્લાન કરે છે. દરેક કેબ સર્વિસિસમાં કેબ શેરનો વિકલ્પ હોય છે. જેનો આ ત્રણેય મિત્રો મળીને પ્લાન બનાવે છે કે બે જણ તેમનાં પોતાનાં ટેક્સીમાં બેસસે અને ચોથો વ્યક્તિ જે કેબ શેર કરે તેને સુમસામ રસ્તામાં લઇ જઇને લૂટી લઇશું. પરંતું જેમ દરેક ધારેલી યોજના નિર્વિઘ્ને પાર પડતી નથી, તેમ આ મિત્રોની ટોળકીને પણ જુદી-જુદી સમસ્યાઓનો સામનો કરતાં તેઓ ખાસ્સી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકાય છે.

હાહાકાર ફિલ્મનું ગીત મધૂરો દારુડો હાલમાં યુવાઓમાં અને સોશિયલ મિડીયામાં પ્રચલિત થઇ રહ્યું છે, જે જીગ્નેશ બારોટે ગાયું છે. આ સિવાય ફિલ્મનું ટાઇટલ ટ્રેક વિશાલ દાદલાનીએ ગાયું છે.
પ્રતિકસિંહ ચાવડા હાલ તેમની ફિલ્મનાં પ્રોમોશન્સમાં વ્યસ્ત છે, જે પૂરાં થયાં બાદ તેઓ તેમની નવી ફિલ્મ પર કામગીરી શરૂ કરશે.





