સૂફી સંગીતની પરંપરાને જીવંત રાખનાર કલાકાર ઓસમાણ મીરે ગીત સંગીતની રંગત જમાવી હતી. ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાર દિવસ ચાલનારો ‘ભારતકૂલ’ મહોત્સવ શરૂ થયો છે. ગુજરાત મીડિયા ક્લબના ઉપક્રમે પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ભાવ (અભિવ્યક્તિ), રાગ (મેલોડી) અને તાલ (લય)ની થીમ પર સમારોહનું ઓપનિંગ થયું. પ્રથમ દિવસે જે સેશન્સ યોજાયા તેમાં ફિલ્મોમાં ધબકતી સંસ્કૃતિ, પત્રકારત્વમાં સંસ્કૃતિ અને સંસ્કાર, ગીતોમાં ગૂંજતી સંસ્કૃતિ જેવા સેશન્સ યોજાયા. તો રંગયાત્રા સેશનમાં વૃંદાવન સોલંકીએ મારો દેશ મારી કળા અંગે તમજ મનહર કાપડિયા અને અભિજીત વ્યાસે આર્ટ અંગે વાત કરી હતી. મહોત્સવમાં 29 જેટલા ચિત્રકારોને રજુ કરતું પ્રદર્શન તેમજ ફોટો જર્નલિસ્ટના ફોટો પ્રદર્શનનો પણ સમાવેશ થયો હતો. ફિલ્મોમાં ધબકતી સંસ્કૃતિ વિષય પર યોજવામાં આવેલ સેશનમાં શૈલેન્દ્ર વાઘેલાના મોડરેશનમાં ફિલ્મ ડિરેક્ટર સંદિપ પટેલ, મનિષ સૈની અને રાજેશ શર્માએ પોતાના અનુભવ અંગે કહ્યું. તો સાંજે અસ્સલ ગુજરાતી ઉમંગ,ભારતીય સંગીતનો સંગમાં ઓસમાણ અને આમીર મીરનું પરફોર્મન્સ યોજાયું હતું.
ઓસમાણ મીરે ગીતોની રંગત જમાવી:
પ્રથમ દિવસે કલાકારો ઓસમાણ મીર અને આમીર મીર દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. અસ્સલ ગુજરાતી ઉમંગ,ભારતીય સંગીતનો રંગ ટાઈટલ પર આ કાર્યક્રમ યોજાયો હતો.ઓસમાણ મીર સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલાના ગીત મોર બની થનગાટ કરે વડે જાણીતા બન્યા છે. ગાયકને ગુજરાતના નારાયણ સ્વામીએ સંગીતની તાલીમ આપેલી છે. ઓસમાણ મીર સુફી સંગીતની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખે છે, તેમનો અવાજ વિશ્વભરના શ્રોતાઓના હૃદયને સ્પર્શે છે.
ગુજરાતી ફિલ્મોમાં ગરબા રજુ કરી દીધા એટલે સંસ્કૃતિ રજુ થઈ ગઈ તેવું નથી:
દિગ્દર્શક સંદિપ પટેલે કહ્યું કે તમે ગુજરાતી ફિલ્મોમાં ગરબાને લઈને આવો એટલે ગુજરાતી સંસ્કૃતિ રજુ કરી દીધી તેવું નથી. આજે પણ ગુજરાતી ફિલ્મો અન્ય સિનેમા સામે સ્ટ્રગલ કરે છે અને થિયેટરમાં દર્શકોને મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. જેથી ગુજરાતી ફિલ્મોમાં બોલ્ડ દૃશ્યોના સિક્વન્સ પણ સ્ટાઈલાઈઝ્ડ કરીને રજૂ કરવામાં આવે છે. ગુજરાતી ફિલ્મો પરિવાર સાથે જોવામાં આવે છે તે તેની વિશેષતા છે.

કલ્ચરને કેનવાસ પર વ્યક્ત કરવાની પણ મઝા છે:
ઈન્ડિયન આર્ટમાં એક રીતે જોઈએ તો સાંસ્કૃતિક વૈવિધ્ય છે. તેમાં મારા જેવા ચિત્રકારને દરેક પ્રદેશના કલ્ચરને કેનવાસ પર વ્યક્ત કરવું તે પણ એક મઝા છે. મને ફેસલેચ ચહેરા તેમાં પણ ગ્રામિણ સંસ્કૃતિને રજુ કરવી ગમે છે. 50 વર્ષની મારી આર્ટ જર્નિમાં અનેક પડાવ આવ્યા છે. ફિગરેટિવ પેઈન્ટિંગ, લેન્ડસ્કેપ, બોમ્બે સિરિઝમાં બોમ્બેના મકાનો, તો મધર એન્ડ ચાઈલ્ડ સિરિઝ પરના ચિત્રોમાં બાળક અને માંના પ્રેમની વાત છે.-વૃંદાવન સોલંકી,સિનિયર ચિત્રકાર

ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં અમિતાભ બચ્ચનના પતંગ ચગાવતા ફોટોગ્રાફ જોવા મળ્યાં:
‘ભારતકૂલ’મહોત્સવમાં ફોટોગ્રાફી પ્રદર્શન પણ યોજાયું છે. જેમાં વિવિધ ફોટોગ્રાફર્સની યાદગાર ક્લિક રજુ કરાઈ છે. આ તસવીરોમાં અમિતાભ બચ્ચનના ઉત્તરાયણ વખતે પતંગ ઉડાડતા ફોટો પણ જોવા મળ્યાં હતાં.





