તમારો પહેલો જોબ ઇન્ટરવ્યૂ કેવો હતો, તમને યાદ છે? કેવી એન્ક્ઝાઇટી અને નર્વસનેસ ફીલ થયેલું એ બધું? જો ભૂલી ગયાં હશો તો “ઇન્ટરવ્યુ” નામની ગુજરાતી ફિલ્મ તમને તમારા પહેલાં ઇન્ટરવ્યૂની યાદ તાજા કરી દેશે. આવતાં અઠવાડિયે આવનારી કોમેડી ડ્રામા ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂમાં મુખ્ય કલાકારોમાં પરિક્ષિત તમલિયા અને સોહની ભટ્ટે અને ફિલ્મનાં દિગ્દર્શક કિલ્લોલ પરમારે ઇટ્સ મજ્જા ગુજરાતી સાથે વાતચીત કરી હતી. આ ફિલ્મની વાર્તા એક મિડલ ક્લાસ યુવા નચિકેતની છે, જે તેનાં અભ્યાસ પૂર્ણ કર્યાં પછી પહેલો ઇન્ટરવ્યૂ આપવા જવાનો છે. તે વખતે ઇન્ટરવ્યૂમાં પહોચતાં પહેલાં તેનાં મનમાં કેવી-કેવી ગડમથલ અને પરિવારનાં દબાણ શું છે, તેનાં બધાં જ દ્રશ્યો છતાં થવા માંડે છે.
ઇન્ટરવ્યૂમાં નચિકેતનું પાત્ર ભજવતાં નમણાં સરખાં એવાં પરિક્ષિતે ઇટ્સમજ્જા ગુજરાતીને પોતાનાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મેં ક્યારેય જોબ ઇન્ટરવ્યૂ નથી આપ્યાં પણ મારા માટે ઓડિશન એ જ ઇન્ટરવ્યૂ છે. અલબત્ત, હું તો ફિલ્મમાં સિલેક્શન થઇ ગયા પછી પણ જ્યાં સુધી ફિલ્મ પૂરી ન થઇ જાય ત્યાં સુધી આ પ્રકારની એન્ક્ઝાઇટી ફીલ કરતો હોઉં છું. જેથી, હું સામાન્ય લોકોની ઇન્ટરવ્યૂ આપવા જતાં પહેલાંની ચિંતા અને દબાણને રિલેટ કરી શકું છું.
તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, તમારો ખરો લૂક તો મિડલ ક્લાસ જેવો નથી, ત્યારે મેકઅપ ઉપરાંત મિડલ ક્લાસ જેવા દેખાવા માટે શું કર્યું હતું, તેનાં જવાબમાં તેમણે જણાવ્યું કે મને ડિરેક્ટરનાં માર્ગદર્શનથી બોલી, વર્તન, રીતભાત વગેરે પર મેં સતત કામ કર્યું હતું. ફિલ્મો સિવાય પરિક્ષિત કોણ છે, તેમ પૂછતાં પરિક્ષિતે રસપ્રદ જવાબ આપ્યો હતો કે, ક્રિકેટ તેમને માટે લવ મેરેજ જેવું છે અને તેઓ ક્રિકેટર બનવા માંગતા હતાં પણ ક્રિકેટને રાષ્ટ્રીય સ્તરે ન રમી શક્યાં. જ્યારે એક્ટિંગ તેમને માટે એરેન્જ્ડ મેરેજ જેવું છે જેમાં ધીમે-ધીમે પ્રેમ થઇ જાય છે. તો હવે મને મારા આ એક્ટિંગ સાથેનાં એરેન્જન્ડ મેરેજ માટે ખૂબ પ્રેમ છે અને હું તેમાં જ આગળ વધીશ.
સોહની ભટ્ટે સીએનો અભ્યાસ કર્યાં પછી એક્ટિંગ ક્ષેત્રમાં આવી છે.
હું જ્યારે સીએનો અભ્યાસ કરતી ત્યારે પણ મને મ્યુઝિકમાં ખૂબ રસ હતો કારણ કે મારા મમ્મી અને પપ્પા બંને સારા ગાયકો છે. જેથી કલા પ્રત્યેનો મારો પ્રેમ નાની ઉંમરથી મારામાં આવી ગયો હતો. સીએ પૂરૂ કર્યાં પછી મે થિયેટરમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું અને ત્યારપછી ઇન્ટરવ્યૂ ફિલ્મનાં ઓડિશનને પાસ કરી લીધું. જો કે ઇન્ટરવ્યૂ મારી પહેલી ફિલ્મ છે પણ મારી બીજી ફિલ્મ ઉડન છૂ પહેલાં રિલિઝ થઇ છે. હું મારી પહેલી ફિલ્મ માટે ખૂબ જ એક્સાઇટેડ છું. આ ફિલ્મમાં હું નચિકેતની પ્રિયતમાનાં પાત્રમાં જોવા મળીશ, જે તેને ઇન્ટરવ્યૂમાં પાસ થવા માટે મોટું દબાણ કર્યાં કરે છે, જેથી તેઓ સારી રીતે લગ્ન કરી શકે.
ફિલ્મનાં દિગ્દર્શક કિલ્લોલ પરમારે કહે છે, હું જ્યારે પહેલો ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો, તેનાં અનુભવ પરથી આ ફિલ્મ મેં બનાવી.
હું જ્યારે મારા જીવનનો સૌપ્રથમ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો ત્યારે મને જે અનુભવ થયો તેને લીધે જ હું આજે લેખક બન્યો છું. મને મારા ઇન્ટરવ્યૂઅરે કહેલું કે, વાર્તાં એટલે શું? તો વાર્તા એટલે એ જ કે તું અહીંયાથી ઘરે જઇને ઇન્ટરવ્યૂ કેવો રહ્યો તે બારીકીથી તારી મમ્મીને વર્ણવીશ તે જ વાર્તા. અને મને તેમણે આવા 15થી 20 ઉદાહરણો આપ્યાં જેમાં મને ખાતરી થઇ ગઇ કે આમની વાત સાચી છે અને બસ મેં ત્યારથી લખવાનું શરૂ કર્યું. એક અઠવાડિયામાં મેં તેમને 3 વાર્તાઓ લખીને આપેલી અને આમ મારી લેખનની કારકીર્દી શરૂ થઇ. પણ આ ઇન્ટરવ્યૂમાંથી મને ઇન્ટરવ્યૂ ફિલ્મ બનાવવાનો આઇડિયા મળ્યો અને મેં આ ફિલ્મ બનાવી.





