શિયાળાની સિઝન શરૂ થતાં જ મોટા ભાગનાં મ્યુઝિક ફેસ્ટિવલ્સનું આયોજન ગુજરાતમાં શરૂ થઇ ગયું છે. ત્યારે યુવી ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં “શુભારંભ” મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં 22 નવેમ્બરે જીગરદાન ગઢવી ઉર્ફે જીગરા, 23 નવેમ્બરે ઇશાની દવે અને 24 નવેમ્બરે અઘોરી બેન્ડ દ્વારા લાઇવ કોન્સર્ટમાં પર્ફોમ કરવામાં આવશે.

આ કાર્યક્રમનાં ઓર્ગેનાઇઝર અને યુવી ઇવેન્ટ્સનાં ઓનર પાર્થ બારોટે જણાવ્યું કે આ પ્રકારનો કાર્યક્રમ ગુજરાતમાં પહેલી વખત યોજાવા જઇ રહ્યો છે. અત્યાર સુધી હિન્દી ગાયક કલાકારોનાં કોન્સર્ટ યોજવામાં આવ્યાં છે અને લોકોને મનમાં એમ છે કે ગુજરાતી સંગીત કોઇ સાંભળતું નથી. પરંતુ હવે લોકોનો ટેસ્ટ ઘણો બદલાયો છે અને અમારી આ ઇવેન્ટ સુપરહિટ થશે તેવો મને વિશ્વાસ છે કારણ કે ગુજરાતીઓને પોતાની માતૃભાષાનું સંગીત ખૂબ જ ગમે છે.
ગુજરાતી સંગીતમાં મોર્ડનાઇઝેશનનો ટચ લાવવા માટે જાણીતાં જીગરા (જીગરદાન ગઢવી) એ જણાવ્યું હતું કે, “શુભારંભ જેવા કાર્યક્રમમાં પર્ફોમ કરવા માટે તે ખરેખર ઉત્સાહી છે. આ ત્રણ દિવસનાં કાર્યક્રમમાં લોકોને ફ્યુઝન મ્યુઝિક માણવા મળશે. હું હંમેશા મારી કોન્સર્ટ્સમાં મારા ઓરિજીનલ ગીતો લોન્ચ કરતો હોઉં છું, મને ક્યારેય એવો ડર નથી લાગતો કે કોઇ મારું સંગીત ચોરી જશે. અને ઘણી વખત એવું પણ બન્યું છે કે મેં જે ગીતો કોન્સર્ટ્સમાં લોન્ચ કર્યાં તે એટલાં પોપ્યુલર થયાં કે મારે તેનો મ્યુઝિક વિડીયો બનાવીને લોન્ચ કરવો પડ્યો હોય. આમ હું આ કોન્સર્ટમાં પણ મારું કોઇ તો નવું ગીત લાવીશ જ, એટલે દર્શકોને જરૂરથી કંઇક નવું સાંભળવા મળે. આ ઉપરાંત જીગરાએ કહ્યું કે, હાલમાં જ તેઓ કેનેડામાં પર્ફોમન્સ આપીને આવ્યાં છે અને ત્યાંનો માહોલ તેમને ગમ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર આઈડિયા પાર્થ બારોટનો છે, અને તેને ડિઝાઇન મનીષસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો છે.આ 3 દિવસની ઇવેન્ટ દરમિયાન ગુજરાતી ઉપરાંત કાઠિયાવાડી, ઉત્તર ગુજરાતી, રાજસ્થાની, મહારાષ્ટ્રીયન જેવી વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકાશે. ઉપરાંત સ્પેશીય ફોટોબૂથ પણ હશે. સામાન્ય થિયેટરની ટિકિટ જેટલી કોસ્ટમાં અમદાવાદીઓને કોન્સર્ટની મજા મળશે.





