Nayanthara Dhanush Controversy: કોલિવુડનાં બે સુપરસ્ટાર્સ નયનતારા અને ધનુષ વચ્ચેનાં કોલ્ડવોર હવે જગજાહેર થઇ ચૂક્યો છે. તાજેતરમાં જ દક્ષિણ ફિલ્મોની અભિનેત્રી નયનતારાએ પોતાનાં ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર ધનુષ માટે ઓપન લેટર પોસ્ટ કરીને ધનુષને “નીચ” હોવા બદલ ઠપકો આપ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે નેટફ્લિક્સ પર ‘નયનતારા: બિયોન્ડ ધ ફેરી ટેલ’ 18મી નવેમ્બરે રિલિઝ થઇ છે. આ અગાઉ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું, જેમાં 2015ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘નાનમ રાઉડી ધન’ની ત્રણ સેકન્ડની ક્લિપનો ઉપયોગ કરાયો હતો, તે માટે ફિલ્મનાં નિર્માતા ધનુષે 10 કરોડની માંગ નયનતારા પાસેથી કરી હતી.
તમિલ ઇન્ડસ્ટ્રીનાં આ બંને ધુરંધર સ્ટાર્સ વચ્ચેની લડાઇએ તેમનાં ચાહકોને ચોંકાવી દીધા છે, ત્યારે કોલીવુડનાં દિગ્ગજો જાણે છે કે આ બંને વચ્ચેનું શીત યુદ્ધ લગભગ દસ વર્ષથી ચાલી રહ્યું છે. આ આખા ઝઘડાની શરૂઆત ‘નાનમ રાઉડી ધન’ ફિલ્મથી થઇ હતી. આ રોમેન્ટિક કોમેડીમાં નયનતારા અને વિજય સેતુપતિની જોડીએ સાથે કામ કર્યું હતું. ફિલ્મ બોક્સ-ઓફિસ પર ખૂબ મોટી સફળતા પામી હતી, તે છતાંય આ ફિલ્મ ધનુષ અને નયનતારા વચ્ચે વિવાદનો વિષય બની ગયો હતે અને જે એક સમયે અત્યંત ગાઢ મિત્રો હતા, તેમનાં સંબંધમાં તિરાડ પડી હતી.
નયનતારા અને ધનુષની મિત્રતાનાં પતનની સમયરેખા
2011માં તેલુગુ ફિલ્મ શ્રી રામ રાજ્યમ બાદ નયનતારાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. તે વખતે તેનાં અંગત જીવનમાં સિલમ્બરસન અને પ્રભુદેવા સાથેનાં તેના સંબંધોને લીધે તે ખાસ્સી તણાવમાં રહેતી હતી. તે સાથે તેની કારકિર્દીનાં પડકારોને લીધે તેણે સિનેમાથી દૂર રહેવાનું શરૂ કરેલું. દિગ્દર્શક એટલીએ તેને 2013માં રાજા રાની ફિલ્મથી કમબેક કરવા માટે રાજી કરી લીધી હતી. આ ફિલ્મથી એટલીએ પણ દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ મોર્ડન લવ સ્ટોરી બ્લોકબસ્ટર હિટ રહી હતી. જેનાથી નયનતારાની કારકિર્દી ફરીથી જીવંત થઇ. જો કે ત્યાર પછીની તેની ઘણી ફિલ્મો નિષ્ફળ રહી. ત્યારે 2015માં આવેલી ‘નાનમ રાઉડી ધન’ ફિલ્મથી તેનાં પ્રોફેશનલ જીવનમાં નવો વળાંક આવ્યો હતો. આ ફિલ્મથી નયનતારાની કારકિર્દી ઊંચાઇ પર પહોંચી ગઇ. થાની ઓરૂવન અને માયા જેવી બેક-ટુ-બેક હિટ ફિલ્મોથી પુરુષ-પ્રભુત્વ ધરાવતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નયનતારાએ એક અગ્રણી સુપરસ્ટાર તરીકેનો દરજ્જો મેળવ્યો.
ધનુષ-નયનતારાનાં શીત યુદ્ધની શરૂઆત
‘નાનમ રાઉડી ધન’ ફિલ્મ કરતાં પહેલા નયનતારા અને ધનુષે ‘યારદી ની મોહિની’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, જ્યાં બંનેએ મુખ્ય અભિનેતા તરીકે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મનાં પ્રોમોશન વખતે તેમની વચ્ચેની મિત્રતા ગાઢ હતી તે સ્પષ્ટ વર્તાતું હતું, બંને એકબીજાને સપોર્ટ કરતાં જોવાયા હતાં.
પરંતુ જ્યારે ધનુષે વિગ્નેશ શિવન દિગ્દર્શિત અને નયનતારા અભિનીત ‘નાનમ રાઉડી ધન’ ફિલ્મમાં નિર્માતા તરીકે ભૂમિકા ભજવી, ત્યારથી જ આ બંનેની મિત્રતામાં તિરાડ પડવાની શરૂઆત થઇ. આ ફિલ્મ આમ તો બધાં માટે તકો લાવી હતી પરંતું નિર્માતા તરીકે ધનુષની આ જર્ની સરળ નહોતી. 2015માં આ ફિલ્મનાં નિર્માણ દરમિયાન કેટલાંય એવા એહવાલો ફરતાં થયાં હતાં જેમાં બહાર આવેલું કે ધનુષ ફિલ્મ મેકિંગની પ્રોસેસથી નાખુશ છે. જેનું મુખ્ય કારણ ફિલ્મનું વધતું જતુ બજેટ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત ફિલ્મ પરથી ધનુષનાં ઘટતા જતા આત્મવિશ્વાસને શાંતવના આપવા વિગ્નેશ શિવન અને નયનતારા બંનેએ તેને ફિલ્મને પૂરી કરવા માટે મનાવ્યો હતો. જે આમ જોતા સાચો નિર્ણય હતો, કારણ કે નાનુમ રાઉડી ધન બોક્સ-ઓફિસ પર હિટ નીવડી હતી. તે છતાંય ધનુષ માટે આ ફિલ્મ આર્થિક લાભદાયી ન હતી. ફિલ્મનું શેડ્યુલ વિલંબ થવાના કારણે તેનો ખર્ચો વધી ગયો હતો અને અંતે ધનુષે ફિલ્મને ઓછી કિંમતે વેચવી પડી હતી, જેને લીધે વિતરકોને તો ફિલ્મથી નફો થયો પરંતુ ધનુષને મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ દાવાઓની ચોક્કસ ચકાસણી કે પુષ્ટિ કરાઇ નથી અને ફિલ્મની નાંણાકીય બાબતો માત્ર નિર્માતાને જ ખ્યાલ હોય છે.
નાનમ રાઉડીથી શરૂ થયેલા નયનતારા અને ધનુષ વચ્ચેનાં શીત યુદ્ધથી તેમનાં વ્યવસાયિક સંબંધોમાં વળાંક આવ્યો છે, પરિણામે નયનતારાએ તેની ઊંડી નારાજગી વ્યક્ત કરતાં ધનુષ પર ગંભીર આક્ષેપો કર્યાં છે.





