જાણીતા કોમેડિયન કૃષ્ણા અભિષેક અને બોલિવૂડ કલાકાર ગોવિંદાના પરિવારનો મનમોટાવનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. આ સાથે 7 વર્ષ બાદ કૃષ્ણા તેના મામાના ઘરે ગયો અને મામા મામીની ખબર-અંતર પૂછી. કૃષ્ણાને લાગ્યું કે તેણે અડધો વનવાસ પૂરો કરી લીધો છે. ઉલ્લાખનીય છે કે હમણાં થોડા સમય અગાઉ જ ગોવિંદાથી મિસફાયર થયું હતું અને તેને પગમાં ગોળી વાગી હતી અને તે હોસ્પિટલમાં એડમિટ થયા હતાં.
કૃષ્ણા 7 વર્ષ બાદ મામાના ઘરે ગયો
કૃષ્ણા અભિષેક હાલમાં જ ગોવિંદાને તેના ઘરે મળવા ગયો હતો. તેણે કહ્યું હતું કે ચી ચી મામાની રિકવરી સારી ચાલી રહી છે. હું ઓસ્ટ્રેલિયામાં હતો જ્યારે મેં ચી ચી મામા સાથે થયેલા અકસ્માત વિશે સાંભળ્યું. મેં મારો પ્રવાસ લગભગ રદ કરી દીધો હતો, પરંતુ હોસ્પિટલ સ્ટાફ અને પત્ની કાશ્મીરા સાથે વાત કર્યા પછી મને સંતોષ થયો કે તેઓ સ્વસ્થ છે.
કૃષ્ણા મામાને ભેટી પડ્યો
કૃષ્ણાએ આગળ કહ્યું, હું ભારત પાછો ફર્યો કે તરત જ હું 7 વર્ષમાં પહેલીવાર મામાને મળવા ગયો. એવું લાગ્યું કે જાણે મેં અડધો વનવાસ પૂરો કર્યો છે. તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. મેં તેમની સાથે લગભગ એક કલાક વિતાવ્યો અને સાત વર્ષ પછી નમ્મો (ગોવિંદાની પુત્રી ટીના આહુજા)ને મળ્યો. એ આવી ભાવનાત્મક ક્ષણ હતી. હું મામાને ભેટી પડ્યો હતો. મને આનંદ છે કે ભૂતકાળનો કોઈ ઉલ્લેખ નહોતો. કૃષ્ણાએ કહ્યું, ‘અમે હસ્યા, મજાક કરી અને જૂના દિવસો યાદ કર્યા. પહેલા જેવું જ લાગ્યું. મામા અને મામી સાથે તેમના ઘરમાં વિતાવેલાં બધાં વર્ષો મારી આંખ સામે તરી આવ્યા. મેં મામાને કહ્યું કે હવે બધુ સાવ બદલાઈ ગયું છે. તમામ બાબતોનું નિરાકરણ આવ્યું છે. હવે કોઈ ફરિયાદ પણ નથી.
આપણે મોટાઓનો ઠપકો સાંભળવા તૈયાર રહેવું જોઈએ’
‘હું ખુશ છું કે આ મુલાકાતમાં ભૂતકાળની કોઈ વાતનો ઉલ્લેખ નહોતો તેમ કહેતાં કૃષ્ણાએ કહ્યું કે, ‘ગેરસમજ હોઈ શકે છે, પરંતુ કંઈ પણ વસ્તુ કે સંબંધ લાંબા સમય સુધી અલગ રાખી શકાતા નથી જો તેમાં પ્રેમ હોય તો. હું મામીને મળી શક્યો નહીં કેમ કે તેઓ બિઝી હતાં, પરંતુ પ્રામાણિકપણે હું તેમનો સામનો કરવામાં થોડો ડરતો હતો, કારણ કે મને ખબર હતી કે તેઓ મને ઠપકો આપશે. હું માનું છું કે જો તમે તમારી અજ્ઞાનતાને કારણે કોઈ ભૂલ કરો છો તો તમારે મોટાઓનો ઠપકો સાંભળવા તૈયાર રહેવું.
આ વિવાદ અગાઉ ઉકેલાઈ શકાયો હોત
કૃષ્ણાને પૂછવામાં આવ્યું કે આ વિવાદ પહેલાં પણ ઉકેલી શકાયો હોત, તો તેણે કહ્યું કે, ‘મને ખબર જ ન રહી કે આટલો સમય કેમ લાગ્યો. ઘણી બધી વસ્તુઓ થઈ રહી હતી, જેના કારણે મુલાકાત શક્ય ન હતી. જોકે મને ખુશી છે કે આખરે અમે બધા જ પ્રકારનાં મતભેદો ભૂલીને આગળ વધ્યા છીએ.
ગોવિંદા કૃષ્ણા પર ગુસ્સે હતો
છેલ્લા કેટલાક વર્ષોથી ગોવિંદા અને કૃષ્ણા તેમજ તેમના પરિવારો વચ્ચે તણાવ વધ્યો હતો. ગોવિંદાએ તેના ભત્રીજાની રમૂજની ટેવ અને તેના ખર્ચે બનાવેલા જોક્સ સામે ઓપનલી વિરોધ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેની પત્નીના દુર્વ્યવહાર અને અપમાનને ટાંકીને તેણે પોતાને કૃષ્ણા અને કાશ્મીરાથી દૂર કર્યા અને તેમની સાથે ફરી ક્યારેય વાત નહીં કરવાનું નક્કી કર્યું હતું. જોકે આ વર્ષે કૃષ્ણાની બહેન આરતીના મેરેજ થયા ત્યારે ગોવિંદાએ તેના પુત્ર યશવર્ધન સાથે આ મેરેજમાં હાજર રહ્યાં હતાં.





