બોલિવુડનાં સુપરસ્ટાર જેનું સ્ટારડમ અદ્ભૂત છે તેવાં શાહરૂખ ખાન ત્રણ બાળકોનાં ગૌરવપૂર્ણ પિતા પણ છે. તેમણે પોતાનાં એક ઇન્ટરવ્યૂમાં તેમનાં નાના દીકરા અબરામનું નામ પાછળનું તર્ક તેમનાં ફેન્સને જણાવ્યું હતું. ચાહકો સાથેની વાતચીત દરમિયાન, જવાનનાં અભિનેતાએ તેમનાં ચાહકો સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે આ અનોખું નામ તેમણે કેમ પસંદ કર્યું.
શાહરૂખે રજત શર્માના આપકી અદાલત શોમાં હાજરી આપી તે દરમિયાન, એક ચાહકે તેમને પૂછ્યું કે તેમણે પુત્રનું નામ અબરામ કેમ રાખ્યું અને તેનો અર્થ શું થાય છે. તેનાં જવાબમાં તેમણે જણાવ્યું કે ઇસ્મામમાં હઝરત ઇબ્રાહીમને બાઇબલમાં અબ્રાહમ તરીકે ઓળખવામાં આવે છે અને યહૂદી ધર્મમાં તે અબ્રામ છે. ત્યારે મેં વિચાર્યું કે પત્ની ગૌરી ખાન હિન્દુ છે અને હું મુસ્લિમ છું, ત્યારે અમારા બાળકો ઘરે બિનસંપ્રદાયિકતાની ભાવના અનુભવે. ઘણા લોકોને તે ગમ્યું નહીં, અને તે વિવાદ બની ગયો, પરંતુ હું માનું છું કે અમારા ઘરમાં, આપણા દેશમાં જેમ બિનસાંપ્રદાયિકતા છે તેવો જ માહોલ છે.
હાલ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પર ‘કિંગ‘ પર કામ કરી રહ્યાં છે. એક ન્યૂઝ પોર્ટલનાં અહેવાલ પ્રમાણે એસઆરકે, સિદ્ધાર્થ અને સુજોયે આ ફિલ્મમાં વિલનની ભૂમિકા નિભાવવા માટે અભિષેક બચ્ચનની પસંદગી કરી છે.
ફિલ્મની સ્ક્રિપ્ટ લોક કરી દેવાઇ છે, જેનું શૂટિંગ ભારત અને વિદેશમાં શરૂ થવા જઇ રહ્યું છે. હાલમાં આ ફિલ્મની પ્રોડક્શન ટીમ શાહરૂખ ખાન, સુહાના ખાન અને અભિષેક બચ્ચન સાથે અન્ય કયા કલાકારો જોડાશે તે માટેની પસંદગી પર ધ્યાન આપી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2024 સુધીમાં શરૂ કરવાની યોજના છે.
‘કિંગ’ ફિલ્મનું દિગ્દર્શન ‘કહાની’, ‘બદલા’ અને ‘જાને જાન’ જેવી હિટ થ્રિલર ફિલ્મોથી જાણીતાં થયેલાં દિગ્દર્શક સુજોય ઘોષ કરશે. આ સુહાના ખાનની પહેલી ફિલ્મ છે, જેમાં તે તેનાં પિતા સાથે એક જ ફિલ્મમાં જોવા મળશે. અગાઉ તેણીએ ઝોયા અખ્તરની આર્ચીઝ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.





