તાજેતરમાં જ સમાચાર આવ્યાં હતાં કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમનાં બાળકોને સામાન્ય જીવન આપવા માંગતા હોઇ લંડનમાં કાયમી ધોરણે સ્થાયી થવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન અનુષ્કા શર્માએ પેરેન્ટિગને લઇને ઊંડાણમાં વાતચીત કરી હતી. તે માને છે કે કોઇપણ પેરેન્ટ પર્ફેક્ટ પેરેન્ટ્સ ના હોઇ શકે અને તે સહજતાથી સ્વીકારી લેવું જોઇએ.
વિરાટ અને અનુષ્કાને વમિકા અને અકાય એમ બે બાળકો છે અને બંને એક આદર્શ કપલ તરીકે જાણીતાં છે. મુંબઇમાં એક ફૂડ બ્રાન્ડનાં પ્રોમોશન માટે અનુષ્કાએ પોતે કઇ રીતે બંને બાળકોને ઉછેરી રહી છે તે વિશે જણાવ્યું હતું.
અનુષ્કા કહે છે કે હું મારા બંને બાળકોમાં સમયની શિસ્તતા કેળવી રહી છું. જો કે મોટાભાગનાં સમયમાં મારે કામને લીધે ટ્રાવેલિંગ રહે છે તેની અસર બાળકો પર પણ પડે છે તે છતાં હું તેમનાં જમવાનાં સમયનું ખાસ ધ્યાન રાખું છું. મારી દીકરી વમિકાનો જમવાનો સમય સાંજે પાંચ વાગ્યાનો છે જે એકદમ આદર્શ સમય છે. તેને લીધે હું પણ આ જ સમયે જમી લઉં છું. આ ઉપરાંત અમે જલ્દી સુવાનું અને વહેલાં ઉઠવાનું પસંદ કરીએ છે.
વધુમાં અનુષ્કાએ જણાવ્યું કે, અમે રાત્રે જલદી સુવાની ટેવને લીધે જલ્દી ઉઠીએ પણ છે, જેથી અમારી સવાર હંમેશા સ્ફૂર્તિલી જ હોય છે. મારા આ નવા સમયપત્રકને લીધે હું ઘણાં મિત્રો સાથે સામાજિક પ્રસંગોમાં જઇ શકતી નથી.
અનુષ્કા પોતાનાં બાળકોને ચોપડીયું નહીં પણ ક્રિયાલક્ષી જ્ઞાન આપવા માંગે છે.
અનુષ્કાએ જણાવ્યું કે હું મારા બાળકોને ક્રીયાલક્ષી જ્ઞાન આપવા માંગું છું નહીં કે ચોપડીયું જ્ઞાન. મારી દીકરી હજુ ઊંડા જ્ઞાનને સમજવા માટે ખાસ્સી નાની છે અને મને નથી લાગતું કે હું મોટી મોટી વાતોથી તેને કંઇ પણ શીખવી શકું છું. જેથી હું મારી લાઇફસ્ટાઇલથી તેને શીખવું છું. અમે કઇ રીતે જીવન જીવીએ છે તે જોઇને જ બાળકો શીખી શકે છે.
હું અને વિરાટ હ્રદયથી પારંપરિક લોકો છીએ.
હું અને વિરાટ બંને પારંપરિક લોકો છીએ, જેથી અમે જે રીતનું બાળપણ જોયું છે તે જ રીતનું બાળપણ અમે તેમને આપવા માંગીએ છે. આ રીતે બંને બાળકો પોતાનાં મૂળ સાથે જોડાયેલા રહેશે. જેમકે હું ઘરમાં એવું જમવાનું બનાવું છું કે જે મેં વર્ષોથી મારા ઘરમાં જમ્યું છે અને મોર્ડન રેસેપીઝથી હું તેમને દૂર રાખું છું.
અમે અમારા બાળકોને ક્રિટીસીઝમ્સથી પણ બચાવવા માંગીએ છીએ જેથી તેમને લગતાં પ્રસંગો અમે પ્રાઇવેટ રાખવાનું પસંદ કરીએ છે, જેથી બાળકો સામાન્ય બાળપણ જીવી શકે.





